દાહોદ તા.૧૭
દાહોદ તાલુકાના છાપરી ગામેથી એક નકલી દારૂ બનાવવાની ફેક્ટરી દાહોદ એસઓજી પોલીસે ઝડપી પાડી ૩ ઈસમોને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળી રહ્યું છે. જાણવા મળ્યાં અનુસાર, આ ફેક્ટરીમાં પેવર બ્લોકની આડમાં દારૂ બનાવવામાં આવતો હોવાનું સામે આવ્યું છે.
આજરોજ વહેલી સવારે દાહોદ એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમીના આધારે દાહોદ તાલુકાના છાપરી ગામે નકલી દારૂ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાર્શ કર્યાેં હતો. આ ફેક્ટરીમાં પેવર બ્લોકની આડમાં દારૂ બનાવવામાં આવતો હોવાનું જાણવા મળી રહ્યું છે. દાહોદ એસ.ઓ.જી. પોલીસે ફેક્ટરીના સંચાલક, સુપરવાઈઝર તેમજ અન્ય એક ઈસમ મળી કુલ ૩ ઈસમોને ઝડપી પાડ્યાં હતાં. પોલીસે સ્થળ પરથી દારૂ બનાવવાના કેમીકલ ભરેલા ૩ કેરબા, અન્ય ખાલી કેરબા, રોયલ સ્ટેગની દારૂની બોટલો, ઢાંકણા, કાર્ટુન, ખાલી બોટલો સહિત તારો બનાવવાની સાધન સામગ્રી કબજે કરી છે. પોલીસે ફેક્ટરીમાંથી કુલ ૨૫૦૦ જેલી બોટલો કબજે કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કલેક્ટર કચેરી તેમજ નજીકમાં આવેલ કોર્ટ પરિસરની તદ્દન નજીકથી ડુબ્લીકેટ દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાતાં દાહોદ શહેર સહિત જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી.