દાહોદનાં ગરબાડાના ૧૭ ગામોનાં ૧૭૪૧૫ ઘરોને રૂ. ૧૯૬૭ લાખથી વધુનાં ખર્ચે નળજોડાણ મળશે


સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે જલજીવન મિશન અંતર્ગત નલ સે યોજનાનો ગરબાડા ખાતે કરાવ્યો શુભારંભ

દાહોદ, તા. ૧૫ : દાહોદનાં ગરબાડાના ૧૭ ગામોનાં ૧૭૪૧૫ ઘરોને રૂ. ૧૯૬૭ લાખથી વધુનાં ખર્ચે નળજોડાણ અપાશે. સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે વિવિધ જિલ્લા પંચાયતોની બેઠકો ખાતે જલ જીવન મિશન અંતર્ગત ‘નલ સે જલ’ યોજનાનું ખાતમુહૂર્ત કરાવી શુભારંભ કરાવ્યો હતો. સાંસદ શ્રી ભાભોરે આ પ્રસંગે જિલ્લાના દરેક ગામનાં દરેક ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચતું કરવા માટે સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.
સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, દાહોદ જિલ્લાના અંતરિયાળ ગામો સહિત તમામ ગામો સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચતુ કરવામાં આવશે. આજે ફક્ત ગરબાડાના જ ૧૭ ગામોનાં ૭૧૪૧૫ ઘરોને નલ સે યોજના અંતર્ગત પીવાનું પાણી ટૂંક સમયમાં જ પહોંચતુ થઇ જશે. આ માટે રૂ. ૧૯૬૭ લાખથી વધુની રકમ મંજૂર કરવામાં આવી છે. આ માટે સમયમર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. એ સમયમર્યાદામાં જ આ ગામોને ઘરે ઘરે નળ કનેક્શન મળી જશે. દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની આગેવાનીમાં જિલ્લામાં વિવિધ યોજનાઓને ઝડપથી સાકાર કરવામાં આવી રહી છે અને લોકો સુધી તેના ફળ પહોંચતા થયા છે.
સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે આજે વિવિધ જિલ્લા પંચાયત બેઠકો ખાતેથી કરેલા ખાતમુહૂર્તની વિગતો જોઇએ તો ઝરીબુજર્ગ જિલ્લા પંચાયત બેઠકના ચાર ગામો સીમલીયા બુજર્ગ, ઝરીબુજર્ગ, ગાંગરડા, જાંબુઆમાં કુલ રૂ. ૫૩૬.૦૨ લાખની કિમતે ૫૦૫૭ ઘરજોડાણ અપાશે. નઢેલાવ જિલ્લા પંચાયત બેઠકનાં આંબલી ગામમાં ૨૧૩.૪૯ લાખનાં ખર્ચે ૯૫૦ ઘરજોડાણ, નઢેલાવ ગામમાં ૨૭૬.૫૫ લાખનાં ખર્ચે ૨૧૨૨ ઘરજોડાણ અપાશે.
તેમજ ગરબાડા જિલ્લા પંચાયત બેઠકનાં દેવધા, ગરબાડા અને સાહડા ગામમાં રૂ. ૩૦૫.૬૧ લાખ નાં ખર્ચે ૨૭૩૭ ઘર જોડાણની મંજૂરી આપવામાં આવી છે. જેનું ખાતમૃહૂર્ત પણ સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે આજે કર્યું હતું. તેમજ અભલોડ જિલ્લા પંચાયત બેઠકનાં પાંદડી, પાટીયા અને ટુંકી વજુ ગામનાં ૨૪૮૧ ઘરજોડાણ રૂ. ૨૧૪.૩૮૭ લાખનાં ખર્ચે સાંસદશ્રીએ આજે શરૂ કરાવ્યા છે. આ ઉપરાંત ભે જિલ્લા પંચાયત બેઠકનાં ચંદલા, ભરસડા, ભે, નળવાઇ અને મીનાકયાર ગામોનાં ૪૨૧.૫ લાખ રૂ.નાં ખર્ચે ૪૦૬૮ ઘરોને નળજોડાણ આપવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે.
આ વેળાએ જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી શીતલબેન વાઘેલા, અગ્રણી શ્રી સુધીરભાઇ લાલપુરવાલા, જિલ્લા તેમજ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ, દાહોદનાં અધિકારીશ્રીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

Share this with

Leave a Reply

Your email address will not be published.