દિવાળી સમયે પણ આરોગ્યકર્મીઓની પ્રશંસનીય કામગીરી, જિલ્લામાં ૧,૨૬,૦૧૨ લોકોએ વેક્સિન લીધી


દિવાળીના દિવસે ૯૪૬, ભાઇબીજના દિવસે ૪૩૫૯, લાભપાંચમના દિવસે ૩૬૮૪૭ લોકોએ વેક્સિન લીધી


દાહોદ જિલ્લામાં દિવાળીના સપરમા તહેવારોમાં પણ આરોગ્યકર્મીઓ દ્વારા વેક્સિનેશનની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. ગત તા. ૧ નવેમ્બર થી તા. ૯ નવેમ્બર સુધી એટલે કે વાઘ બારસથી લઇને લાભ પાંચમ સુધીના તહેવારોમાં ૧,૨૬,૦૧૨ લોકોએ વેક્સિન લીધી હતી. નૂતન વર્ષના દિવસને બાદ કરતાં તમામ દિવસોમાં વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી હતી.
દિવાળીના તહેવારોમાં મોટા ભાગે રોજગારી માટે બહાર જતા શ્રમિકો વતન પરત આવતા હોય તેમને વેક્સિન આપવા માટેનું સુચારૂ આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું. વાઘબારસથી શરૂ થતાં તહેવારોમાં કરવામાં આવેલી રસીકરણની કામગીરી જોઇએ તો તા. ૧ નવેમ્બરે ૨૭૩, ૨ નવેમ્બર એટલે કે ઘનતેરસના દિવસે ૧૫૯૧૯, ૩ નવેમ્બરે ૧૩૭૪૩ લોકોએ વેક્સિન લીધી હતી. દિવાળીના દિવસે પણ ૯૪૬ લોકોએ વેક્સિન લીધી. ત્યાર બાદ નવા વર્ષના દિવસને બાદ કરતા તા. ૬ નવેમ્બરે ભાઇબીજના દિવસે ૪૩૫૯ લોકોએ વેક્સિન લીધી હતી. જયારે તા. ૭ નવેમ્બરે ૨૮, તા. ૮ નવેમ્બરે ૫૩૮૯૭ અને તા. ૯ નવેમ્બરને લાભપાંચમના દિવસે ૩૬૮૪૭ લોકોએ વેક્સિન લીધી હતી.
છેલ્લા નવ દિવસમાં ૧૨૬૦૧૨ લોકોએ વેક્સિન લીધી હતી. જેમાં ૩૮૦ લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ અને ૧,૨૫,૬૩૨ લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. જિલ્લામાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેનારની કુલ સંખ્યા ૧૪,૯૯,૫૪૫ થઇ છે, જયારે બીજો ડોઝ લેનારા નાગરિકોની સંખ્યા ૭,૭૭,૨૩૨ થઇ છે. ટકાવારી પ્રમાણે જોઇએ તો જિલ્લામાં ૯૭.૫૨ ટકા લોકોને પ્રથમ ડોઝ અને ૯૪.૨૯ ટકા લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

Share this with

Leave a Reply

Your email address will not be published.