પોલીસ તંત્ર દ્વારા જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસરની આગેવાનીમાં વ્યાપક લોકશિક્ષણ ઝુંબેશ


મહિલાઓના શોષણ-હકો-અધિકારો, અંધશ્રદ્ધા જેવા વિષયો પરની ટૂંકી ફિલ્મો દ્વારા લોકજાગૃતિનું કાર્ય

પોલીસ વિભાગ દ્વારા તૈયાર કરાયેલી શી-ટીમ તેમજ ૧૮ પોલીસ સ્ટેશનો દ્વારા શાળાઓ સહિત ગામેગામ જનજાગૃતિ અભિયાન


દાહોદ પોલીસ તંત્ર દ્વારા અન્ય વિભાગોને સંકલનમાં રાખીને જિલ્લામાં લોકશિક્ષણનું ભગીરથ કાર્ય ઝુંબેશ સ્વરૂપે શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લામાં મહિલાઓના હકો અને કાનુની અધિકારો તેમજ અંધશ્રદ્ધા જેવી બાબતોને જડમૂળથી નાબુદ થાય એ માટે જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસરના માર્ગદર્શનમાં પોલીસ તંત્ર દ્વારા ટૂંકી ફિલ્મો, નાટકો, વિશેષ શી-ટીમ તેમજ બાળકોથી લઇને મોટેરા સુધી સૌ કોઇ જાગૃત બને એ માટે ગ્રામ્ય સ્તરે કલસ્ટર બનાવીને વ્યાપક પ્રચાર કરવામાં આવી રહ્યો છે.
પોલીસ તંત્ર દ્વારા લોકજાગૃતિ અભિયાનનું આ મહત કાર્ય અભિયાન સ્વરૂપે શરૂ કરવામાં આવ્યું છે. આ માટે અત્યાર સુધીમાં બે ટૂંકી ફિલ્મો તૈયાર કરવામાં આવી છે અને હજુ બીજી બે ફિલ્મો તૈયાર કરવામાં આવી રહી છે. મહિલાઓના હકો, બાળકોના અધિકારો તેમજ અંધશ્રદ્ધાનું ખંડન કરતી આ ટૂંકી ફિલ્મો વધુમાં વધુ લોકો સુધી પહોંચે એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે.
ખાસ વાત તો એ છે કે, આ ટૂંકી ફિલ્મોમાં સુંદર અભિનય કરતા કલાકારો સ્થાનિક જ છે. એટલે કે દાહોદનાં જ છે. આ ફિલ્મોના ડિરેક્શનથી લઇને અભિનય તેમજ એડીટીગ જેવી તમામ બાબતો દાહોદનાં જ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે. અહીંના જિલ્લા બાળ સેવા એકમનાં લીગલ એડવાઇઝર શ્રી અબ્દુલ વસીમ કુરેશીના ડિરેક્શન તેમજ અભિયનય સહિત અન્ય સ્થાનિક કલાકારો દ્વારા ઉત્કૃષ્ટ અભિનય થકી આ ટૂંકી ફિલ્મોની લોકોમાં ધારી અસર ઉપજી રહી છે. આગામી ટૂંકી ફિલ્મોમાં શાળાના બાળકોને પણ અભિનયની તક આપવામાં આવશે.
જિલ્લામાં મહિલાઓના સશક્તિકરણ માટેના આ અભિયાનમાં કલસ્ટર લેવલે વ્યાપક પ્રચાર પ્રસાર કરવામાં આવશે. શિક્ષણ વિભાગ સાથે સંકલન કરીને શાળાઓમાં પ્રાર્થના સમયે વિદ્યાર્થીઓને દર્શાવવામાં આવશે. આ ઉપરાંત પોલીસ વિભાગ દ્વારા શી-ટીમ તૈયાર કરવામાં આવી છે. જે શાળાએ શાળાએ જઇને મહિલાઓના શોષણ, અધિકારો-હકો વિશે વિદ્યાર્થીઓને શિક્ષિત કરશે. જેથી ભાવિ પેઢી બાળપણથી જ આ વિશે જાગૃત બને. જિલ્લાના ૧૮ પોલીસ સ્ટેશનો દ્વારા મોટા પાયે શાળાઓની મુલાકાત લેવામાં આવશે અને વિદ્યાર્થીઓને શિક્ષિત કરાશે.
લોકશિક્ષણના આ કાર્યને જનજન સુધી પહોંચાડવા માટે વિવિધ વિભાગોના સંકલનમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર અને જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસરની ઉપસ્થિતિમાં એક બેઠક યોજાઇ હતી. જેમાં શિક્ષણ વિભાગ તેમજ અન્ય વિભાગના સંકલનમાં આ ઝુંબેશને જનજન સુધી પહોંચાડવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું.

Share this with

Leave a Reply

Your email address will not be published.