દાહોદ, તા. ૨૧ : દાહોદ જિલ્લામાંથી ટીબી નાબુદી અભિયાન અંતર્ગત ડિસ્ટ્રીક્ટ ટીબી ફોરમની મીટીગ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં યોજાઇ હતી. બેઠકમાં ભારત સરકારનાં ટીબી નાબુદી અભિયાન અંતર્ગત જિલ્લામાં કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.
કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ જિલ્લામાંથી ટીબી નાબુદી માટે લોકજાગૃતિ પર ભાર મુકયો હતો અને લોકો આ રોગની સમયસર સારવાર લે તેમ જણાવ્યું હતું. જિલ્લામાં ટીબીનું પ્રમાણ અને સારવાર અંગે વિસ્તૃત માહિતી જિલ્લા ક્ષય અધિકારી દ્વારા આપવામાં આવી હતી. જિલ્લાના દરેક તાલુકામાં એમટીડીવી વાન અને એક્ટીવ કેસ ફાઇન્ડીંગ કરવા માટે ટીમ બનાવીને સઘન કામગીરી કરવામાં આવી રહી છે. આ ક્ષેત્રે ખાનગી તબીબો દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની પણ સમીક્ષા કરાઇ હતી. આરોગ્ય વિભાગ દ્વારા ટીબીની સારવાર બાબતે સતત અને સઘન પ્રયત્ન કરવામાં આવે છે. દરેક ગામના સરકારી દવાખાનામાં ટીબીના નિદાન તેમજ સારવાર નિશુ:લ્ક કરવામાં આવે છે. આ ઉપરાંત ટીબીની સારવાર શરૂ થાય અને પૂર્ણ થાય ત્યાં સુધી દર માસે દર્દીના ખાતામાં સીધા રૂ. ૫૦૦ નિક્ષય પોષણ સહાય યોજના હેઠળ સીધા બેન્ક ખાતામાં જમા કરવામાં આવે છે. કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ બેઠકમાં ઉપસ્થિત રહેલા ટીબીમાંથી સ્વસ્થ થયેલા વ્યક્તિઓ સાથે ચર્ચા કરી હતી અને તેમને આપવામાં આવેલી સારવાર બાબતે સંતોષ વ્યક્ત કર્યો હતો.
બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. સી.આર. પટેલ, જિલ્લા ક્ષય અધિકારી ડો. પી.વી. સોની, લીડ બેન્ક મેનેજરશ્રી, આઇ.એમ.એ. પ્રમુખશ્રી, પત્રકારશ્રી, એનજીઓ કાર્યકર્તા, તબીબી અધિકારીશ્રી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.