દાહોદમાં અંગ્રેજોના શાસનકાળ દરમિયાન સર્વ પ્રથમ વખત ફરદૂનજી કાવસજી કોન્ટ્રાક્ટર નામના પારસી વર્ષ ૧૮૫૫માં આવ્યા હતા

દાહોદના પરેલમાં પારસી કોલોની નામનો આખો વિસ્તાર છે પણ ત્યાં એક પણ પારસી રહેતા નથી, હવે માત્ર દાહોદમાં ૨૬ પારસી વસે છે


શું તમે જાણતા હતા કે દાહોદમાં રેલવે સ્ટેશન બનાવવા માટે એક પારસી સદ્દગૃહસ્થે માત્ર એક જ રૂપિયાના ટોકનથી રેલ્વેની જમીન દાનમાં આપી હતી. દાહોદ નગરપાલિકાના પ્રથમ પ્રમુખ પણ એક પારસી હતા. અંગ્રેજોના કાળમાં રેલવે લાઇન નાખવા ઉપરાંત બીજા અનેક કામો કરવા માટે દાહોદ આવેલા અનેક પારસીઓ પૈકી હવે માત્ર ચાર પરિવારમાં ૨૬ પારસીઓ રહે છે. વિશ્વ વસ્તી દિને આ પારસી પરિવારોનો યાદ કરવા યથાર્થ છે.


પારસીઓ ભારતમાં કેવી રીતે આવ્યા તે ઇતિહાસ અને દૂધમાં સાકરની જેમ ભળી જવાની વાત તો સર્વ વિદિત છે. પણ બહુ ઓછા વ્યક્તિઓને માલૂમ હશે કે દાહોદમાં સર્વ પ્રથમ વખત ફરદૂનજી કાવસજી કોન્ટ્રાક્ટર નામના પારસી વર્ષ ૧૮૫૫માં આવ્યા હતા. તે વખતે દાહોદ અંગ્રેજ હુકુમત હેઠળ હતું. તે બાદ વર્ષ ૧૮૭૦માં ગોદી રોડ ઉપરનો બંગલો ફરદૂનજી દ્વારા બનાવવામાં આવ્યો હતો. માણેકજી ફરદૂનજી કોન્ટ્રાક્ટર ૧૯૨૨માં દાહોદ નગરપાલિકાના પ્રથમ પ્રમુખ બન્યા હતા. રેલ્વેના ઠેકા પારસીઓ પાસે હોવાથી તેમનો સામાન રાખવા માટે ગોદામ હાલના રેલવે સ્ટેશન આસપાસ હતા. બાદમાં એ જમીન રેલ્વેને દાનમાં આપી હતી. ગોદામોને કારણે જ હાલના ગોદી રોડનું એવું નામ પડ્યું છે. દાહોદમાં પ્રથમ ફ્રિજ પણ એક પારસી પરિવાર લાવ્યોહતો.
અંગ્રેજોના શાસનકાળ દરમિયાન દાહોદમાં વસતા પારસીઓ પાસે શરાબ બનાવવાના ઠેકા હતા. શરાબ બનાવવા માટેના કારખાના હાલે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં આવેલા વિસ્તારોમાં ચાલતા હતા. આ ઠેકાઓને કારણે દાહોદના કેટલાક પરિવારની અટક કોન્ટ્રાક્ટર કે કેટલાક પરિવારની અટક દારૂવાલા છે. તેમ યેઝદીભાઇ કોન્ટ્રાક્ટર કહે છે,

યેઝદીભાઇ ૭૫ વર્ષના છે, પણ તેઓ યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ ધરાવે છે. આજે પણ કૃષિકાર્ય કરે છે. તેઓ કહે છે, દાહોદમાં ચાર પરિવારમાં ૨૬ વ્યક્તિ છે. કોન્ટ્રાક્ટર, દારૂવાલા, ભેસાણિયા અને એલાવિયા ફેમેલી છે. આ ફેમેલીમાં કેટલાક શિક્ષણ, ટ્રાન્સપોર્ટ અને કૃષિ સાથે સંકળાયેલા છે. દાહોદમાં પરેલ વિસ્તારમાં આજે પણ પારસી કોલોની નામનો વિસ્તાર છે. એ વાત અલગ છે કે ત્યાં એક પણ પારસી રહેતા નથી. દાહોદમાં વર્ષ ૧૯૬૦ સુધી અનેક પારસી પરિવારો વસવાટ કરતા હતા. પણ વ્યવસાય અર્થે પારસી પરિવારો દેશદેશાવરમાં સ્થળાંતરિત થઇ ગયા. અંગ્રેજોના કાળમાં દાહોદમાં એક હજાર પારસી પરિવારો દાહોદમાં રહેતા હતા.

પારસી અગ્નિપૂજક સમાજ છે. દાહોદમાં અગ્નિદેવની પૂજા થતી હોય એવી હાલમાં એક પણ અગિયારી નથી. પારસીઓમાં દાનનું ખૂબ જ મહાત્મ્ય છે. તેથી તેઓ મૃત્યું બાદ પોતાના શરીરને ગીધ પક્ષીઓને ખાવા માટે છોડી દે છે. જ્યાં મૃતદેહને રાખવામાં આવે તેને ટાવર ઓફ સાયલન્સ કહેવામાં આવે છે. દાહોદમાં ટાવર ઓફ સાયલન્સને બદલે આરામગાહ છે. આરામગાહ એટલે કબ્રસ્તાન ! શુભાશુભ પ્રસંગે ધાર્મિક વિધિ કરાવવા માટે ધર્મગુરુ (દસ્તુરજી) ગોધરા કે અન્ય શહેરમાંથી આવે છે. ધાર્મિક વિધિ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. પારસીઓના લોકાચાર, ખાણીપીણી પણ રસપ્રદ છે.
સમગ્ર વિશ્વમાં પારસીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે. એક તબક્કો એવો હતો કે પારસી યુવાનોમાં લગ્ન કરવાનું પ્રમાણ ખૂબ જ ઓછું હતું. પણ હવે તે ટ્રેન્ડ બદલાયો છે. પારસી શાંતિપ્રિય પ્રજા છે. તેનું પ્રમાણ એ છે કે દાહોદમાં કેટલાય દાયકાઓથી કોઇ પારસી સામે ફોજદારી ગુનો નોંધાયો નથી.
સમગ્ર વિશ્વમાં ૧૧મી જુલાઇને વિશ્વ વસ્તી દિન તરીકે મનાવવામાં આવે છે. ત્યારે, દાહોદમાં માત્ર આંગળીના વેઢે ગણી શકાય એટલા પારસીઓને યાદ કરવા યથાર્થ છે.

Share this with

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *