ઝાલોદમાં ૧૨૮.૯૬ લાખના ખર્ચે બે ઉદવહન સિંચાઇ યોજનાઓથી ૧૨૦ ખેડૂતો કરશે બારેમાસ ખેતી


સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે ઝાલોદ ખાતે સિંચાઇ યોજનાઓનું કર્યું લોકાર્પણ

દાહોદ, તા. ૯ : ઝાલોદ તાલુકાના અંતરિયાળ ગામોના ૨૩૦ એકર વિસ્તાર સુધી બે ઉદવહન સિંચાઇ યોજનાઓ પૂર્ણ થતાં ખેડૂતો સુધી સિંચાઇના પાણી પહોંચ્યા છે. અંદાજે સવા કરોડના ખર્ચે તૈયાર થયેલી આ બે ઉદવહન સિંચાઇ યોજનાથી આ વિસ્તારનાં ૧૨૦ ખેડૂતો બારેમાસ પાક લઇ શકશે. સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે આ બંને ઉદવહન સિંચાઇ યોજનાનું આજે ઝાલોદ ખાતે લોકાર્પણ કર્યું હતું.
સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, ઝાલોદના ચાકલીયા ગામે ૫૩.૧૮ લાખના ખર્ચે ઉદવહન સિંચાઇ યોજના પૂર્ણ કરવામાં આવી છે. અહીંના ૪૦ હેક્ટર વિસ્તારમાં કાળી નદીના પાણીનો લાભ મળશે અને ૫૦ જેટલા ખેડૂતો સમૃદ્ધિની નવી દિશા તરફ આગળ વધશે. આ માટે ૫૭૬ મીટર લાંબી મુખ્ય લાઇન તેમજ ૨૫૭૧ મીટરની ડિસ્ટ્રીબ્યુશન લાઇનનું કામ ટૂંક સમયમાં જ પૂર્ણ કરવામાં આવ્યું છે.
તેમણે ઉમેર્યું કે, આ ઉપરાંત ઝાલોદના જ ઘોડિયા ગામે ૭૫.૭૮ લાખના ખર્ચે ઉદવહન સિંચાઇ યોજના પૂર્ણ થઇ છે અને અહીંના ૫૩ હેક્ટર વિસ્તારમાં કાળી નદીના પાણીનો લાભ મળશે તેમજ ૭૦ જેટલા ખેડૂતો બારેમાસ આ પાણીથી પાક લઇ શકશે. આ માટે ૮૪૫ મીટર લાંબી મુખ્ય લાઇન અને ૩૦૭૩ મીટરની ડિસ્ટ્રીબ્યુશન લાઇન તૈયાર કરવામાં આવી છે. દાહોદ જિલ્લાના ખેડૂતોને સમૃદ્ધ કરવા માટે રાજય અને કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે.
આ પ્રસંગે મોરવા હડફના ધારાસભ્ય સુશ્રી નિમિષાબેન સુથાર, જિલ્લા પંચાયતના પ્રમુખ સુશ્રી શીતલબેન વાઘેલા, પ્રાયોજના વહીવટદાર શ્રી બી.ડી. નીનામા, જલ સંપત્તિ નિગમના અધિક્ષક ઇજનેર શ્રી એસ.કે. પટેલ, કાર્યપાલક ઇજનેર શ્રી એસ.આર. ચૌધરી, નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી મહેશ દેવનાની તેમજ ગામના સરપંચશ્રી અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

Share this with

Leave a Reply

Your email address will not be published.