દાહોદ જિલ્લામાં કેટલાંક લોકો ખોટી રીતે ખેડૂતોને નકલી બિયારણ ઊંચી કિંમતે વેચતા જોવા મળ્યા છે. જિલ્લાના ખેડૂતો આ અંગે જાગૃત થાય અને કેટલીક તકેદારીઓ રાખે તેમ નાયબ ખેતી નિયામક-વિસ્તરણએ જણાવ્યું છે. ખેડૂતો તરફથી મળેલી જાણકારી મુજબ કૃષિ વિભાગની સ્કોડ દ્વારા ગત ૧૫ જૂનના રોજ ધાનપુર તાલુકામાં ખેડૂતોનાં ઘરે પૂછપરછ કરતાં અજાણ્યા ઇસમ દ્વારા કપાસનું બિયારણ ઊંચી કિમતે વેચ્યું હોવાનું જોવા મળ્યું હતું. આ કપાસના બિયારણ પેકેટ ઉપર કાયદાની જોગવાઈ મુજબની વિગતો દર્શાવેલ ન હતી તથા કંપની નું નામ પણ બોગસ જણાવ્યું હતું. આમ આ કપાસ બિયારણને કારવાહી અર્થે જપ્ત કરવામાં આવ્યું છે.
ખેડૂતોની બાતમીના આધારે મોજે ખોખરા ગામે નરેસ ચામઠાના ઘરે તપાસ કરતાં તેઓ નાસી ગયા હતા અને ઘરમાં ડુપ્લિકેટ પેકિંગ મટેરીયલ ધ્યાને આવતા રૂમ સીલ કરવામાં આવ્યો. ગત ૨૧ જૂનના રોજ બંધ ઘરમાંથી કપાસ પાકના નકલી બિયારણના ૧૬ પેકેટ અંદાજિત રૂ.૧૪૪૫૦ /-રૂ જથ્થો જપ્ત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નકલી બિયારણ વેચાણ અટકાવવા પોલીસ સ્ટેશનમાં જાણ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ખેડૂતો સાથે આ રીતે છેતરાય નહી એ માટે દાહોદ જિલ્લાના ખેડૂતોને કેટલીક કાળજી રાખવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)એ કેટલીક અગત્યની માહિતી જણાવી છે. ખાતર, બિયારણ, દવા લાઇસન્સ ધારક દુકાનોમાંથી ખરીદી કરી બિલ સાચવી રાખવા. અજાણ્યા ઇસમો પાસેથી બિલ વિના સીધી ખરીદી કરી હોય, આવી કોઈ બાબતો ધ્યાને આવે તો નાયબ ખેતી નિયામક દાહોદની કચેરીએ જાણ કરવી, જેથી જવાબદારો સામે કડક કાર્યવાહી કરી શકાય.
ખેડૂતો પ્રાકૃતિક ખેતી દ્વારા પોતાના જ ઘરે જ જીવામૃતરૂપી બ્રહ્માસ્ત્ર બનાવી ખાતર દવાના મોટા ખર્ચમાંથી બચી શકે છે તેમજ ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી શકશે. પ્રાકૃતિક ખેતી દ્વારા ખેડૂતો પોતાનું બિયારણ પોતાના ઘરે બનાવશે તો ખેતીના ખર્ચમાં મોટો ઘટાડો કરી શકશે. આમ પ્રાકૃતિક ખેતી અપનાવી ખેતી ઉત્પાદન બમણું કરી શકાશે.