જિલ્લાના યુવાનો રોજગાર-કારકિર્દી વગેરે અંગેની માહિતી ઘરેબેઠા ફોન દ્વારા મેળવી શકાશે
કરિયર કોલ સેન્ટર નં. ૬૩૫૭૩૯૦૩૯૦ ઉપરથી તમામ માહિતી મળશે
યુવાનોને રોજગારની વધુમાં વધુ તકો ઉપલબ્ધ થાય એ માટે રાજય સરકાર દ્વારા રોજગાર સેતુ અંતર્ગત કોલ સેન્ટર ચાલુ કરવામાં આવ્યા છે. દાહોદ જિલ્લામાં પણ રોજગારલક્ષી ઓનલાઇન કેરિયર કોલસેન્ટર રોજગાર સેતુ કાર્યક્રમનો ઇ-શુભારંભ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કરાવ્યો છે.
હવેથી જિલ્લાના રોજગારવાચ્છું યુવાઓ કોલ સેન્ટર નં. ૬૩૫૭૩૯૦૩૯૦ નંબર ડાયલ કરીને જિલ્લામાં રોજગાર, અભ્યાસ, કારકિર્દી કે વ્યવસાયને લગતી અદ્યતન અને સચોટ માહિતી ફક્ત એક કોલ દ્વારા ઘરેબેઠા મેળવી શકશે. ધોરણ ૧૦-૧૨ પછી આગળના અભ્યાસક્રમો, વિવિધ વ્યવસાયો, રોજગાર ભરતીમેળા, ખાનગી સંસ્થાઓમાં નોકરીની જગ્યાઓ, રોજગાર કચેરી દ્વારા કાર્યરત સેવાઓ તેમજ કારકિર્દી અંગે તમામ માહિતી મેળવી શકાશે તેમ જિલ્લા રોજગાર અધિકારીએ એક યાદીમાં જણાવ્યું છે.