દાહોદના ૨૦માં કલેક્ટર તરીકે ચાર્જ સંભાળતા ડો. હર્ષિત ગોસાવી

બદલી પામનારા શ્રી વિજય ખરાડીએ તેમને સૌજન્યતાપૂર્ણ રીતે કલેક્ટર કચેરીમાં આવકાર્યા
દાહોદના ૨૦માં કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ આજે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે. બદલી પામનારા શ્રી વિજય ખરાડીએ તેમને સૌજન્યતાપૂર્ણ રીતે કલેક્ટર કચેરીમાં આવકાર્યા હતા અને ચાર્જ સોંપ્યો હતો. બન્ને અધિકારીઓએ કલેક્ટર કચેરીમાં કાર્યરત મહેસુલી અધિકારીઓ સાથે પરિચય બેઠક પણ યોજી હતી. જેમાં અધિક કલેક્ટર શ્રી મહેશ દવે સહિત નાયબ કલેક્ટરશ્રીઓએ તેમને આવકાર્યા હતા.
ડો. હર્ષિત ગોસાવી મૂળ મહારાષ્ટ્રના વતની છે અને તેમણે નાગપુર યુનિવર્સિટીમાંથી એમબીબીએસની પદવિ હાંસલ કરી છે. તે બાદ તેઓ ભારતીય સનદી સેવામાં જોડાયા છે. તેઓ મિતભાષી સ્વભાવ ધરાવે છે. દાહોદ કલેક્ટર પદે નિયુક્તિ પૂર્વે તેઓ પ્રાદેશિક નગરપાલિકા કમિશનર પદે કાર્યરત હતા. દાહોદ સ્માર્ટ સિટી કંપનીના મુખ્ય કારોબારી અધિકારી તરીકે પણ કામ કર્યું હોવાના નાતે તેઓ દાહોદથી પરિચિત છે. તેઓ દાહોદના ૨૦માં કલેક્ટર છે.
દાહોદના ૧૯માં કલેક્ટર તરીકે ૯-૪-૨૦૧૮ના રોજ ચાર્જ સંભાળનારા શ્રી વિજય ખરાડીએ દાહોદમાં સૌથી વધુ સમયગાળો કલેક્ટર પદે ફરજ બજાવવાનો વિક્રમ બનાવ્યો છે. એ પૂર્વે દાહોદ જિલ્લાના બીજા કલેક્ટર શ્રી ઇ. આઇ. કલાસવાએ સૌથી વધુ સમય ૮-૬-૧૯૯૮થી ૨૭-૨-૨૦૦૧ સુધી ફરજ બજાવી છે.

Share this with

Leave a Reply

Your email address will not be published.