મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ દાહોદ જિલ્લાના ખેડૂતોને ખાતર-બિયારણ સહાય વિતરણનો શુભારંભ કરાવ્યોકૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત દાહોદના ૩૫ હજાર આદિવાસી ખેડૂતોને ૬.૮૪ કરોડની ખાતર-બિયારણની સહાય

મંત્રી શ્રી બચુભાઇ ખાબડ અને સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે લાભાર્થી ખેડૂતોને કિટ્સ વિતરણ કર્યું

ગત ચાર વર્ષમાં જિલ્લાના ૯૭,૫૫૯ આદિવાસી ખેડૂતોને ખાતર-બિયારણની સહાય કરવામાં આવી

દાહોદ, તા. ૨૨ : દાહોદ જિલ્લામાં કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત આ વર્ષે ખાતર-બિયારણ કિટસ વિતરણનો શુભારંભ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કર્યો હતો. આ પ્રસંગે જિલ્લા સેવા સદન ખાતે મંત્રી શ્રી બચુભાઇ ખાબડ અને સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહ્યાં હતા અને ખેડૂતોને કિટસનું વિતરણ કર્યું હતું. આ યોજના અંતર્ગત દાહોદના ૩૫ હજાર ખેડૂતોને ૬.૮૪ કરોડની ખાતર-બિયારણની આ વર્ષે સહાય મળશે.
મંત્રી શ્રી બચુભાઇ ખાબડે આ પ્રસંગે જણાવ્યું કે, રાજય સરકાર આદિવાસી ખેડૂતોના વિકાસ માટે કટિબદ્ધ છે. આ વર્ષે પણ વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત દાહોદના ૩૫ હજાર ખેડૂતોને ૬.૮૪ કરોડની ખાતર-બિયારણની સહાય કરવામાં આવશે. જેનો શુભારંભ આજથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કરાવ્યો છે. ખેડૂતોને રૂ. ૧૯૫૭ની કિમતનું ૪૫ કિલો યુરિયા, ૫૦ કિલો ઓર્ગેનિક ખાતર અને ૪ કિલો મકાઇનું બિયારણ આપવામાં આવશે. જેમાં લાભાર્થી ખેડૂતનો ફાળો રૂ. ૨૫૦ નો રહેશે. જિલ્લાના ૩૫ હજાર ખેડૂતોને આ ખાતર-બિયારણ પહોંચતું કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે જણાવ્યું કે, ખેતી સમૃદ્ધ તો ખેડૂત સમૃદ્ધ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી તેઓ જયારે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે હતા ત્યારે આદિવાસી લોકોના વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરી હતી. આ યોજનાના પરિણામે દાહોદના ખેડૂતો સમૃદ્ધિ અને વિકાસના માર્ગે આગળ વધ્યા છે. છેલ્લા ચાર વર્ષની જ વાત કરીએ તો દાહોદ જિલ્લાના ૯૭,૫૫૯ આદિવાસી ખેડૂતોને ખાતર-બિયારણની સહાય કરવામાં આવી છે અને આ વર્ષે પણ ૩૫ હજાર ખેડૂતોને સહાય કરવામાં આવી રહી છે.
મંત્રી શ્રી ખાબડ અને સાંસદ શ્રી ભાભોરએ લાભાર્થી ખેડૂતોને ખાતર-બિયારણના વિતરણ માટે યોગ્ય વ્યવસ્થા કરવા માટે યોજનાના અધિકારીશ્રીને સૂચના આપી હતી. કોરોના પ્રોટોકોલ સાથે તમામ ખાતર-બિયારણનું સુવ્યવસ્થિત વિતરણ થાય અને કોઇ અવ્યવસ્થા ન સર્જાય તેની કાળજી રાખવા તેમણે સૂચના આપી હતી.
આ પ્રસંગે પ્રાયોજના વહીવટદાર શ્રી બી.ડી. નિનામા, ઝાલોદ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, જીએસએફસી એગ્રોટેકના અધિકારીશ્રી તેમજ લાભાર્થી ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતા.

Share this with

Leave a Reply

Your email address will not be published.