દાહોદ:રેલવે કારખાના નજીક કપલિંગમાંથી છૂટી પડેલી ગુડ્સ ટ્રેનની બોગી રિવર્સમાં આવી ઓટો રિક્ષાને 40 ફૂટ ઢસડી ગઈ:એક વ્યક્તિ ઈજાગ્રસ્ત…

દાહોદ તા.11

દાહોદ શહેરમાં રેલવે વર્કશોપ સી સાઈટ નજીક 32 ક્વાર્ટર જવાના રસ્તે રેલવે ક્રોસિંગ પર રેલવે સ્ટેશન લઈ જવાતી ગુડ્સ ટ્રેનની ત્રણ બોગીમાંથી એક બોગી કાપલિંગમાંથી છુટ્ટી પડયા બાદ પાટા ક્રોસ કરતી રીક્ષાને અડફેટે લેતા ઓટો રીક્ષા આશરે 40 ફૂટ સુધી ધસડાઈ હતી. કારખાનામાંથી એન્જીનથી જોડીને ત્રણ બોગીને રિવર્સમાં લાવવા દરમિયાન આ ઘટના બની હતી.જોકે સદ્ભાગ્યે કોઈ જાનહાની થઈ ન હતી. રિક્ષાના ચાલકને સામાન્ય ઈજાઓ થઈ હતી.ઘટના બાદ તાબડતોડ દોડી આવેલા આરપીએફ સ્ટાફે વધુ તપાસ આદરી હતી.

પ્ દાહોદ શહેરના રેલવે વર્કશોપમાં ઇલેક્ટ્રિક એન્જીન,મેમુ ટ્રેન અને ગુડ્સ તેમજ પેસેન્જર ટ્રેનના કોચના નવીનીકરણ ની સાથે રીપેરીંગ કામ માટે લાવવામાં આવે છે. આજરોજ કારખાનામાં બહારથી રીપેરીંગ માટે આવેલી ગુડ્સ ટ્રેનની ત્રણ બોગીનું કામ પૂર્ણ થતાં તેને બહાર મોકલવા માટે એન્જીન સાથે જોડીને આ ત્રણે બોગી ધીમી ગતિએ રિવર્સમાં રેલવે સ્ટેશન તરફ મોકલવામાં આવી રહી હતી.. તે સમયે સી સાઈડ નજીક બત્રીસ ક્વાર્ટર જવાના રસ્તે રેલવે ક્રોસિંગ ઉપર ગુડ્સ ટ્રેનની આવતી હોવાનું ધ્યાન ચુકી ગયેલો ચાલક પોતાની રિક્ષા ત્યાંથી કાઢી રહ્યો હતો. તે વખતે જ ટ્રેન સાથે જોડાયેલી છેલ્લી બોગી ઓચિંતી કપલિંગમાંથી છુટ્ટી પડી ગઈ હતી.ટ્રેક પર ઢાળ હોવાથી બોગીએ ઝડપ પકડી લેતા રીક્ષા તેની અડફેટમાં આવી ગઈ હતી. રિક્ષાને ઢસડી જઈ આશરે 40 ફૂટ દૂર જઈને બોગી રોકાઈ હતી. આ અકસ્માતમાં સદભાગ્યે રીક્ષા ચાલક સમયસૂચકતા વાપરી નીકળી જતા તેનો બચાવ થયો હતો. તેને સામાન્ય ઇજા થઇ હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવની જાણ થતાં રેલવવા સુરક્ષા બળનો કાફલો તાબડતોડ દોડી આવ્યો હતો. ઘટના બનતા એન્જીન સાથે જોડાયેલી બંને બોગી ફરીથી વર્કશોપ માં લઇ જવાઈ હોવાનું જાણવા મળ્યુ છે.

Share this with

Leave a Reply

Your email address will not be published.