દાહોદ LCB પોલીસે અભલોડ ગામેથી દેશી હાથ બનાવટની માઉઝર (પિસ્ટલ) તથા એક જીવતા કાર્ટીઝ સાથે એક યુવકને ઝડપી પાડ્યો


ગરબાડા, તા.11/06/2021

દાહોદ એલસીબી પોલીસે ગરબાડા તાલુકાના અભલોડ ગામના વરજાંગીયા ફળીયામાં રોડ ઉપરથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટના હથિયાર માઉઝર (પિસ્ટલ) તથા જીવતો કાર્ટીઝ મળી કુલ કિ.રૂ.૧૫,૫૫૦/- ના મુદ્દામાલ સાથે એક યુવકને ઝડપી પાડી તેના વિરુદ્ધ જેસાવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવેલ છે.

પ્રાપ્ત વિગત અનુસાર, દાહોદના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક શૈફાલી બારવાલની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર બી.ડી.શાહ તેમજ પો.સ.ઇ. પી.એમ.મકવાણા તથા પો.સ.ઇ. એમ.એમ.માળી તથા એલ.સી.બી.સ્ટાફની ટીમ સાથે અગાઉ ગેરકાયદેસર હથિયારના ગુનામાં ઝડપાયેલ ગેંગના સાગરીતો ઉપર વોચ ગોઠવી તેઓની ગતિવિધી ઉપર માહિતી મેળવવા માટે સતત કાર્યરત હતા.આજરોજ પો.ઇન્સ. બી.ડી.શાહ, એલ.સી.બી.નાઓની સુચના મુજબ પો.સ.ઇ. એમ.એમ.માળી તથા સ્ટાફના માણસો સાથે જેસાવાડા પે.સ્ટે. વિસ્તારના અગાઉ હથિયારના કેસમાં સંડોવાયેલ ઇસમોની હિલચાલની માહિતી એકત્રિત કરવાની કામગીરીમાં નીકળેલ હતા તે દરમ્યાન તેઓને બાતમી હકિકત મળેલ કે, અભલોડ ગામે વરજાંગીયા ફળીયા, પાટાડુંગરી જતા રોડ ઉપર એક ઇસમ જેને શરીરે બ્રાઉન કલરની ટીશર્ટ તથા કમરે કાળા કલરનું પેન્ટ પહેરેલ છે જેને કમરમાં એક દેશીહાથ બનાવટનુ હથિયાર સંતાડી વેચવા જવાની ફિરાકમાં આવનાર છે. જે બાતમીના આધારે પોલીસે બાતમીવાળી જગ્યાએ વ્યુહાત્મક રીતે આયોજનબધ્ધ વોચ ગોઠવી છરછોડા ગામના ધવલકુમાર રમણભાઇ જાતે ખપેડને દેશી હાથ બનાવટની માઉઝર (પિસ્ટલ) તથા જીવતો કાર્ટીઝ સાથે ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જેસાવાડા પોલીસ સ્ટેશન હથિયાર ધારા હેઠળ ગુનો રજીસ્ટર કરાવેલ છે.

પકડાયેલ આરોપીનુ નામ :

ધવલકુમાર રમણભાઇ જાતે ખપેડ, ઉ.વ.૨૧, રહે.છરછોડા, તળાવ ફળીયા, તા.ગરબાડા જી.દાહોદ.

કબજે કરેલ મુદામાલ :

દેશી હાથ બનાવટની પીસ્ટલ (માઉઝર) કિ.રૂ.૧૫,૦૦૦/- તથા જીવતો કાર્ટીઝ કિ.રૂ.૫૦/- તથા લાવા કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂ.૫૦૦/- મળી કુલ કિ.રૂ.૧૫,૫૫૦/- નો મુદ્દામાલ.

આમ, જેસાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના અભલોડ ગામે વરજાંગીયા ફળીયામાં રોડ ઉપરથી ગેરકાયદેસર દેશી હાથ બનાવટના હથિયાર માઉઝર (પિસ્ટલ) તથા જીવતો કાર્ટીઝ મળી કુલ કિ.રૂ.૧૫,૫૫૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી હથિયારનો કેસ શોધી કાઢવામા દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે.

Share this with

Leave a Reply

Your email address will not be published.