રાજય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં ૧૮ વર્ષથી ઉપરના યુવાનો માટે વેક્સિનેશન આજથી શરૂ કરવામાં આવ્યું છે ત્યારે દાહોદ જિલ્લાના યુવાનોમાં કોરોનાની રસી લેવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના યુવાનોએ વેક્સિનેશન અભિયાનમાં આજે ઉમંગ સાથે જોડાયા હતા અને રસીકરણ કેન્દ્ર ખાતે વેક્સિન લેવા માટે ઉમટી પડયા હતા. યુવાનોમાં કોરોના સામે ખાસી જાગૃતિ જોવા મળી રહી છે અને વેક્સિન એ કોરોના સામેનું અચૂક હથિયાર હોય રાજય સરકારના પ્રયાસમાં યુવાનોનો સહયોગ જોવા મળી રહ્યો છે.
દાહોદના લીમડી ખાતેના કમ્યુનિટિ હેલ્થ સેન્ટરે રસી લેવા આવેલા શ્રૃતિ મુકેશ જૈન કોરોનાની રસી લેવા માટે ખાસ્સા ઉત્સાહિત હતા. તેમની ઉંમર ૨૨ વર્ષ છે. તેઓ જણાવે છે કે, કોરોના સામે કોઇ રામબાણ ઇલાજ હોય તો તે રસી છે, સૌ યુવાનોએ સમયસર રસી લઇ લેવી જોઇએ. રાજય સરકારે ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરાયું છે ત્યારે સૌ યુવાનોએ તેનો લાભ લેવો જોઇએ.
રાજય સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં આજથી ૧૮ થી વધુ ઉંમરના તમામ યુવાનોને કોરોનાની રસી આપવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે યુવાનોએ આ માટે અગાઉથી જ કોવીન પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે આ અંગેનું રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. જેથી રસીકરણ કેન્દ્ર ખાતે વ્યવસ્થા જળવાઇ અને બિનજરૂરી ભીડ ન થાય.