ગરબાડા કોમ્યુનિટિ હેલ્થ સેન્ટર ખાતે બે ઓક્સિજન કન્સન્ટ્રેટર મશીન સહિત આરોગ્યલક્ષી વસ્તુઓનું દાન

ડો. હિતેશ રાઠોડની પોતાના વતન માટે કંઇક કરવાની પહેલમાં મિત્રો-પરિચિતોનો સાથ મળતા ગરબાડા સીએચસીમાં આરોગ્ય સુવિધાઓ વધી

દાહોદના ગરબાડા ખાતેના કોમ્યુનિટી હેલ્થ સેન્ટરને બે ઓક્સિજન કન્સન્ટ્રેટર મશીન, ૧૦૦ નંગ પીપીઇ કીટસ, પાંચ નેબ્યુલાઇઝર અને બે પલ્સ ઓક્સિમિટર દાનમાં મળતાં અત્રેના કોમ્યુનિટિ હેલ્થ સેન્ટરની આરોગ્ય સુવિધાઓમાં વધારો થયો છે. આ બધી આરોગ્યલક્ષી વસ્તુઓનું દાન મૂળ ગરબાડાના સાહડા પાંચવાડા ગામના ડો. હિતેશ રાઠોડની કોવીડ દર્દીઓને સહાયરૂપ થવાની પહેલમાં સાથ આપવા માટે તેમના જ પરિચિતો-મિત્રો દ્વારા કરવામાં આવ્યું છે.
ડો. હિતેશ રાઠોડ હાલ વડોદરાની જીએમઇઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પીટલ, વડોદરા ખાતે ફોરેન્સિક વિભાગમાં કોવીડ સેન્ટર ખાતે કામગીરી કરી રહ્યાં છે. તેમણે કોરોના સમયે પોતાના વતન ખાતે કંઇક કરવું જોઇએ એમ નક્કી કર્યું. તેમણે અહીંના કોમ્યુનિટિ હેલ્થ સેન્ટર ખાતે દર્દીઓને ફળફળાદિ અને ચા નાસ્તાની વ્યવસ્થા કરી. તેમની આ પ્રવૃતિ વિેશે જાણતા તેમના મિત્ર શ્રી સૂર્યકાન્ત પટેલે બે ઓક્સિજન કન્સન્ટ્રેટર મશીન આપવાની તૈયારી બતાવી અને રૂ. ૨,૧૨,૮૦૦ ની કિંમતના ૧૦ લીટર કેપેસીટીના બે મશીન આપ્યા. આ મશીન થકી એકસાથે પાચ દર્દીને ઓક્સિજન આપી શકાય છે.
વડોદરાના શ્રી બાદરભાઇ ગોહિલને ડો. હિતેશની સેવાકીય પ્રવૃતિ વિશે જાણ થતાં તેમણે પણ કોરોના દર્દીઓ માટે આરોગ્યલક્ષી વસ્તુઓ આપવાની વાત કહી. શ્રી બાદરભાઇએ પાંચ નેબ્યુલાઇઝર અને બે પલ્સઓક્સિમિટર આપ્યા. બરોડાની નાયર વેલ્ફેર એસોસિએશન પણ ડો. હિતેશની પહેલમાં આગળ આવ્યું અને રૂ. ૨૨ હજારની કિંમતના ૧૦૦ નંગ પીપીઇ કીટસ દાનમાં આપ્યા.
ગરબાડા કોમ્યુનિટિ હેલ્થ સેન્ટર ખાતે ડો. હિતેશ તેમજ શ્રી સૂર્યકાન્ત પટેલે આ આરોગ્યલક્ષી વસ્તુઓ મામલતદાર શ્રી કુલદીપ દેસાઇને, ડો. આર.કે. મહેતા સહિતના આરોગ્યકર્મીઓની ઉપસ્થિતિમાં સુપરત કરી હતી.
ડો. હિતેશ મેડીકલ કેમ્પ સહિતની ઘણી સેવાકીય પ્રવૃતિઓ કરે છે. પોતાના વતનમાં કોરોનાકાળમાં કંઇક સહાયરૂપ થવા તેમણે નાનકડી પહેલ કરી હતી અને તેમનાથી પ્રેરિત થઇને ઘણાં લોકો જોડાયા હતા અને ગરબાડા કોમ્યુનિટિ હેલ્થ સેન્ટર ખાતેની આરોગ્ય સુવિધાઓમાં વધારો થયો છે.

Share this with

Leave a Reply

Your email address will not be published.