દાહોદ જિલ્લામાં તાઉ-તે વાવાઝોડાની અસર સામે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ

ભારે પવન ફૂંકાવાની શક્યતાને પગલે મહત્વપૂર્ણ સેવા ના ખોરવાઇ તે સુનિશ્ચિત કરવા કલેક્ટરશ્રીની સૂચના

અરબી સમુદ્રમાં સર્જાયેલા તાઉ-તે નામક ચક્રવાતની અસરને પગલે દાહોદ જિલ્લામાં હળવાથી ભારે પવન ફૂંકાવાની શક્યતાને ધ્યાને રાખીને મહત્વપૂર્વ સેવાઓ ખોરવાઇ નહીં તે સુનિશ્ચિત કરવા કલેક્ટર શ્રી વિજય ખરાડીએ સંબંધિત અધિકારીઓને સૂચના આપી છે.
તાઉ-તે ચક્રવાતને સંદર્ભે યોજાયેલી ઓનલાઇન મિટિંગમાં કલેક્ટર શ્રી ખરાડીએ જણાવ્યું કે, દાહોદ જિલ્લામાં આમ તો ચક્રવાતની નોંધનીય અસર થવાની નથી. પણ તેના કારણે દાહોદ જિલ્લામાં ભારે પવન ફૂંકાવાની શક્યતાને પગલે મહત્વપૂર્ણ સેવા સતત ચાલું રહે એવી વ્યવસ્થા કરવામાં આવશે.
ખાસ કરીને કોરોનાની બાબત ધ્યાને રાખતા ઝાયડ્સ, અર્બન હોસ્પિટલમાં વીજ પુરવઠો જળવાઇ રહે એવી સૂચના આપવામાં આવી છે. જો કે, સાવચેતીના ભાગ રૂપે દાહોદની તમામ સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલને ઇન્વર્ટર અને જનરેટની વ્યવસ્થા રાખવા સૂચના આપવામાં આવી છે. જેથી દર્દીઓને કોઇ તકલીફના પડે. આવી સૂચના ઓક્સીજન રિફિલિંગ પ્લાન્ટ માટે પણ આપવામાં આવી છે.
આ ઉપરાંત પવનના કારણે વૃક્ષ પડવાના કારણે રોડ બ્લોકેજ થાય તો વૃક્ષ તુરંત હટાવી વાહનવ્યવહાર પૂર્વવત કરવા ટીમો તૈયાર રાખવા માર્ગ અને મકાન વિભાગ તથા વન વિભાગને સૂચના આપવામાં આવી છે. નાયબ કલેક્ટર અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓને તાલુકાની જવાબદારી સોંપવામાં આવી છે.

કલેક્ટર કચેરી પરિસરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખામાં કન્ટ્રોલ રૂમ ૨૪ કલાક કાર્યરત છે. આપત્તિના સમયમાં મદદ તથા માર્ગદર્શન માટે ફોન નંબર ૧૦૭૭ ઉપર ફોન કરી શકાય છે.

Share this with

Leave a Reply

Your email address will not be published.